NEWS >> ધ્વજવંદન પ્રસંગે શ્રી કશ્યપ મહેતાનું પ્રાસંગિક પ્રવચન
ધ્વજવંદન પ્રસંગે શ્રી કશ્યપ મહેતાનું પ્રાસંગિક પ્રવચન
August 15th, 2010(તા.૧૫ ઓગષ્ટ ૨૦૧૦ ના ધ્વજવંદન પ્રસંગે શ્રી કશ્યપ મહેતાનું પ્રાસંગિક પ્રવચન)
પ્રથમ તો અહીં ઉપસ્થિત સૌ ગુરુજનોને સાદર નમસ્કાર
આજના ૬૪માં સ્વાતંત્ર્ય પર્વ નિમિતે આપ સૌને શુભકામનાઓ. આપણામાંથી ઘણાં મને કમને પણ અહીં આવ્યા એમને ખાસ અભિનંદન. આપણો રાષ્ટ્રધ્વજ આપણા ભૂતકાળ અને વર્તમાન વચ્ચેની એક સાંકળ છે. આપણા સ્વાતંત્ર્ય વીરો - આઝાદ ભારતના ઘડવૈયાઓ એ વિરાસતમાં આપેલી એ એક મહાન મૂડી છે. આ ધ્વજના નેજા હેઠળ લાખો લોકોએ પોતાના પ્રાણની આહુતિ આપી અને આજનો આ દિવસ આપણને આપ્યો. આજનો આ દિવસ આઝાદીનો, આનંદ આપનારો છે છતાં જેમણે પોતાના જાન આપ્યા છે એમની યાદો એમના સ્વજનો માટે દર્દભરી રહી છે. Rose's scent is bitterness to him who loved the rose. એ તમામ વિભૂતિઓને ભાવભરી શ્રદ્ધાંજલિ આપણે આઝાદી, સ્વત્રંતા અને એકતાના મૂલ્યો વિસારે પાડી સમાધાન વૃતિ શોધી લીધી છે. હિંમત, અથાકશક્તિ અને દીર્ઘદ્રષ્ટિ થી હવે જો આપણે અત્યારના પડકારોનો સામનો નહીં કરીશું તો આપણા પૂર્વજોનું બલિદાન એળે ગયું જ સમજો.
આપણે માનસિક રીતે વધારે સજ્જ થવું જરૂરી બન્યું છે. નવી શકિત, વિચારધારા, રાષ્ટ્રીય ચારિત્ર્ય અને સંવાદિતા વિના કોઈ પણ રાષ્ટ્ર પ્રગતિના પંથે જઈ શકતું નથી. આપણે કપરા સમયમાંથી પસાર થઇ રહ્યા છીએ. આપણે વાસ્તવિકતાનો સ્વીકાર કરવાને બદલે દૂર ભાગતા રહ્યા છીએ. અને માનસિક રીતે સજ્જ થઇ શકતા નથી. આપણી આસપાસનું વિશ્વ ગેરસમજ, શંકા-કુશંકા અને અવિશ્વાસથી ઊભરાય છે. આવા અંધકારમય વાતાવરણમાં પ્રકાશ પુંજનો શ્વેત રંગ આપણને દોરી જશે ઉજ્જવળ ભવિષ્ય તરફ. શ્વેત રંગ એટલે પ્રકાશનો રંગ, ઉષ્મા આપનારો રંગ, ચિત્તને ઉઠાડવાનો રંગ , પ્રેમનો રંગ,શૌર્યનો રંગ અને શાશ્વત સુખની અનુભૂતિનો રંગ. મધ્યાહને પણ અંધકાર જ્યાં ઘેરીને બેઠો હોઈ ત્યારે કાળાડીબાંગ વાદળોને વિખેરી નાખવા માટે આવા શ્વેત રંગની જ્યોતને પ્રગટાવવા માટે સત્ય, પારદર્શિતા, ચારિત્ર્ય અને સાદગીના સૌન્દર્યની જરૂર પડે એ આપણે સૌ સમજીએ છીએ. છતાં દુર્યોધનની જેમ "જાનામી ધર્મમ્ ન ચ મે પ્રવૃતિ:" એવા મિથ્યાભિમાન (vainglorious pride)માં રાચીએ છીએ.
આપણે નવેસરથી વિચારવાની જરૂરિયાત ઉભી થઇ છે. આપણું ધ્યેય નક્કી કરવું પડશે. આગામી દાયકામાં આપણે ક્યાં પહોચવું છે એ નક્કી કરવું પડશે અને એ ધ્યેય પામવા માટેની કપરી કેડી પર પગથીયા કંડારવા પડશે. પર્વતખેડૂની જેમ કમરે દોરડું બાંધી એ ચડાણ ચડવા માટે કટીબધ્ધ થવું પડશે એને માટેના સાધનો ઊભા કરવા પડશે અને મંડી પડવું પડશે અતુલ શક્તિથી.
સૌ પ્રથમ આપણા વિચારોને એકસૂત્રે બાંધવા પડશે. સામેવાળાના વિચારો સમજવા માટે ઉદારતા દાખવવી પડશે અને વિચારોમાં સમન્વય સાધવા માટે ઘણું બધું જતું કરવું પડશે."શંકટનો ભાર જ્યમ શ્વાન તાણે" જેવી જાણીતી ઉક્તિની જેમ આપણે કેટલા પામર છીએ એ સ્વીકારવું પડશે. આવા વિચાર-વિનિમયના અંતે જે નવનીત બહાર આવશે એનાથી શ્વેત રંગનું આપણું ધ્યેય કંડારવું પડશે. અંગત સ્વાર્થ,લાભ અને લાલસાને કોરણે મુક્યા વિના એકસૂત્રે બંધાવાનું અશક્ય છે અને એ શરૂઆત આપણે "સ્વ" થી જ કરવી પડશે. આપણામાં ઘરબાઈ ગયેલા આવા ગુણોને બહાર કાઢી પ્રકટાવવા પડશે. અને એક ઉમદા વ્યક્તિત્વને સાકાર કરવું પડશે. સહકર્મીઓ, સહવાસીઓ અને સ્વજનો પ્રત્યે પ્રેમપૂર્વક વર્તવા ઉપરાંત સહિષ્ણું બનવું પડશે. માનવ સ્વભાવની મર્યાદા સ્વીકારવા મન મોટું કરી ઉદાર બનવું પડશે. આ તમામ પાસાઓ વ્યક્તિત્વને સબળ બનાવશે જેને "અરિ પણ ગાશે દિલથી".
આપણાં રાષ્ટ્રધ્વજમાંનું અશોકચક્ર એ ધર્મ, નિષ્ઠા અને શિસ્તનું ચક્ર છે. સત્ય અને ઉચ્ચ મૂલ્યોની કેડી પર ચાલવાનું શીખવે છે. ધર્મનાં માર્ગે ચાલવાનું અને ધર્મ પરાયણતા જાળવી રાખવાનું શીખવે છે. ધર્મ એટલે માનવજાતિને પ્રગતિના માર્ગે દોરી જતી રેશમની દોરી. રેશમની દોરી મજબૂત હોવા છતાં મરડી શકાય એવી હોય છે તેમ આપણે ધર્મને મરોડીને સંકુચિત વાડાઓમાં ગોંધી દીધો છે. એને મંદિર, મસ્જીદ, ગુરૂદ્વારામાંથી બહાર રસ્તા પર લાવી મનભેદની દીવાલો ચણવાની કોશિશો કરી છે. જેનો સૌથી મોટો લાભ ધાર્મિક ગુરૂઓએ મેળવ્યો છે. અવનવા સંપ્રદાયો સ્થાપી વ્યક્તિપૂજા પોષીને પોતાનો સ્વાર્થ સાધ્યો છે. "અહમ્ બ્રહ્માસ્મિ"ની જેમ ચમત્કારો, જડીબુટ્ટીઓ, વિગેરે દ્વારા સમાજની પ્રગતિમાં અવરોધ નાંખ્યો છે.
અશોકચક્ર એ પ્રગતિશીલતા નું પ્રતિક છે. ગતિ એ પરિવર્તન અને એજ જીવન છે. ઈન્ફોસીસ ના સ્થાપક શ્રી નારાયણ મૂર્તિ કહે છે. "Change is the way of life. One who anticipates changes and changes himself before the changes take place is always successful"
પરિવર્તનને આવકારવા ને બદલે એની સામે અડગ બની પ્રતિકાર કરવો એ આપણો માનવસહજ સ્વભાવ થઇ ગયો છે. આપણે આવતીકાલથી ડરીએ છીએ કારણકે આપણે આત્મવિશ્વાસ ખોઈ ચુક્યા છીએ. ભૂતકાળને ભવ્ય ચીતરી એમાં રચ્યા પચ્યા રહેવાનું આપણને ફાવી ગયું છે. અને આપણી આસપાસ એક comfort zone જેવું આવરણ બનાવી શાહમૃગની જેમ રેતીમાં મોઢું છુપાવીને રહીએ છીએ.
જો આપણે પ્રગતિ કરવી હોય વ્યક્તિગત રીતે, સંસ્થાએ, શહેરે અથવા રાષ્ટ્રએ તો આપણે આમાંથી બહાર આવવું પડશે. આપણે પરિવર્તનને આપણા પક્ષમાં લેવું પડશે. આવતીકાલનું એક નયનરમ્ય ચિત્ર બનાવવું પડશે એમાં રંગોની પૂર્તિ કરવી પડશે અને એને સાકાર કરવા અતુલ શક્તિ થી મંડી પડવું પડશે.
જેમ પરિવર્તન સતત ગતિશીલ છે તેમ આપણું જીવન પણ એકમાર્ગી રસ્તા પરની ગતિ જેવું છે. કેટલી ઝડપથી જીવનકાળ પસાર થઇ જાય છે એ સમજવાનું-પચાવવાનું અઘરું છે. જો આપણે લાંબાગાળાના ધ્યેયને સાકાર કરવા માંગતા હોઈએ તો સેકંડલાઇન બનાવતા જવું પડશે. નવી પેઢીઓ માં સંસ્કારસિંચન કરવું પડશે અને તો જ આ ભગીરથ કાર્ય અશોકચક્રની જેમ સતત ચાલુ રેહશે.
સાંપ્રતકાળથી સમાજના ઘડતરમાં શિક્ષક અને શિક્ષણનો ફાળો અમૂલ્ય રહ્યો છે. શિક્ષણને વિવેક, મર્યાદા, સહનશીલતા, જ્ઞાનપિપાસા જેવા ગુણો અસરકારક બનાવી શકે. વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચે આત્મીયતા હોવી ઘટે છતાં એક મર્યાદાની લક્ષ્મણરેખા પણ અત્યંત આવશ્યક છે. વિદ્યાર્થીએ ગુરુજનો પ્રત્યે આદર રાખવો જરૂરી છે અને ગુરુએ આદરને પાત્ર થવું પણ એટલું જ આવશ્યક છે. જ્ઞાનના અનંત મહાસાગર માં કુતૂહલ ની નાવમાં બેસી, પ્રયત્નોનાં હલેસા વડે ગતિશીલ રહેવામાં જ ગુરુ-શિષ્યની પરંપરાનો શાક્ષાતકાર છે.
આપણી આ મહાનસંસ્થા મારી રગેરગમાં વસેલ છે અને એના માટે ખાસ પક્ષપાત હોય એ સ્વાભાવિક છે. એમ.ટી.બી. કોલેજ અમારા કૌટુંબિક વાતાવરણનું એક અવિભાજ્ય અંગ બનીને ધબકી રહી છે, છેલ્લા પચાસ ઉપરાંત વર્ષોથી. અમારે સૌને માટે MTB એટલે આદર્શ સંસ્થા. P.T.Sci. કોલેજ એટલે મારી alma matter માતૃસંસ્થા એને માટે નો આદર અને લાગણી સ્વાભાવિક હોય જ.
આ સંસ્થાઓના ઉત્થાનમાં અનેકાનેક વિભૂતિઓએ પોતાનો જીવનકાળ સમર્પિત કર્યો છે એના આ તમામ વૃક્ષો સાક્ષી છે. આથમતા સૂર્યના પડછાયામાં ધીરે ધીરે વહેતો સમીર ક્યારેક એમને સ્મરીને રુદન કરતો હજી પણ સંભળાય છે. વરસાદની મોસમમાં છલકાતા પાણીના નેવનો રીધમ વગરનો ધ્વનિ હજી પણ સર્જાયલા અવકાશની પ્રતીતિ કરાવતો રહે છે. આ ભવ્ય મકાનોની છતો, દીવાલોની ઇંટો, ભીત પર ટીંગાઈને તસ્વીરમાં કેદ થઈ ગયેલ વિભૂતિઓ અને અહીં આસપાસ ચોગરદમ પથરાયલી હરિયાળી આપણી તરફ અનેકાનેક આશાઓથી મીંટ માંડી ને બેઠી છે.ભવ્ય ભૂતકાળથી પણ ઉજ્જવળ ભવિષ્ય તરફ જવાનું કાર્ય આપણે સૌ કરી શકીશું એવો એમનો આશાવાદ છે. એમના એ સ્વપ્નને - આપણે સૌ સાકાર કરીએ એવો સંકલ્પ કરી વિરમું છું.
आ नो भद्रा: ऋतवो यन्तुविश्वतः
(Let noble thoughts enter our minds from all directions)